GujaratAhmedabad

NEET ગેરરીતિના કેસમાં CBI ની ટીમની મોટી કાર્યાવાહી, ગોધરાની આ સ્કૂલના મુખ્ય સંચાલકની કરી અટકાયત

NEET પરીક્ષા કૌભાંડને લઈને ગોધરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. NEET પરીક્ષા કૌભાંડ મામલામાં CBI દ્વારા જય જલારામ સ્કૂલ ગોધરાના મુખ્ય સંચાલકની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય સંચાલક દીક્ષિત પટેલની અટકાયત કરાઈ છે. દીક્ષિત પટેલ જય જલારામ સ્કૂલ, ગોધરાના મુખ્ય ટ્રસ્ટી રહેલા છે. CBI દ્વારા ગુરુવારે દીક્ષિત પટેલને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ, પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા રેકેટનું મુખ્ય કેન્દ્ર રહેલું હતું. સીબીઆઈના વકીલ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તેમની પસંદગીની ભાષા તરીકે ગુજરાતી અને કેન્દ્ર તરીકે ગોધરા પસંદ કરવા માટે પ્રેરિત કરાયા હતા.

સીબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રેકેટમાં સામેલ લોકોની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષની જેમ સમાન રહેલી હતી. ગોધરામાં જય જલારામ સ્કૂલ અને વણાકબોરી પાસે અન્ય કેન્દ્ર જ્યાં ગેરરીતિ થયેલી હતી. બંને કેન્દ્ર દીક્ષિત પટેલ દ્વારા ચલાવવામાં આવે છે. એવામાં હવે CBI દ્વારા જય જલારામ સ્કૂલ ગોધરાના મુખ્ય સંચાલકની અટકાયત કરવામાં આવી છે.