ગુજરાતમાં ઠંડીના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. હાલ ગુજરાતના અનેક શહેરો ઠંડીએ જોર પકડ્યું છે. પરંતુ હવે ઠંડી થોડા દિવસો જ રહેવાની છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે તાપમાનમાં વધારો થવાનો છે. હાલમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી અનુભવાઈ રહી છે. હાલમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર-પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. પરંતું આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થવાનો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં હાજર રહેલા છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ રહેલ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવવા લાગશે. તે સમયે ઠંડીમાં ઘટાડો જોવા મળશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી મહિનાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા જોવા મળવાની છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને લીધે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન રહ્યું નથી. તેના લીધે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેલી છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા રહેલી છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.