AhmedabadGujarat

અમદાવાદમાં છેલ્લા 50 દિવસોથી મિનિપ્લેક્સ બંધ, માલિકોએ ઠાલવી વ્યથા

અમદાવાદ શહેર થી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં મિનિપ્લેક્સ ફાયર સેફ્ટી સાથે તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાણકારી વગર આ તમામ મિનિપ્લેક્સ ને સીલ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 50 દિવસથી બંધ મિનિપ્લેક્સ માં કામ કરનાર 1200 થી વધુ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેની સાથે જ આ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આ અંગે મિનિપ્લેક્સ ના માલિકો અને ઓપરેટરો દ્વારા રોષ ઠાલવતા આ કાર્યવાહી ગેરવ્યાજબી હોવાનું જણાવવામાં આવ્યું છે.

તેની સાથે મિનિપ્લેક્સના માલિકો અને ઓપરેટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, લાયસન્સ મેળવવા માટે કલેકટર ઓફિસ દ્વારા સૂચિત કરવામાં આવેલા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હોવા છતાં કલેકટર દ્વારા અમને લાયસન્સ આપવામાં આવ્યું છે. મિનિપ્લેક્સ માં ફાયર સેફટી, બેઠક વ્યવસ્થા આ તમામ નિયમોનું પાલન કરાયું છે. તેમ છતાં AMC દ્વારા મિનિપ્લેક્સ સીલ કરી દેવામાં આવી છે. અમારા દ્વારા AMC ની કચેરીમાં અને ગાંધીનગરમાં મંત્રાલયમાં તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા છે તેમ છતાં મિનિપ્લેક્સ ના સીલ ખોલવામાં આવેલ નથી અને 50 દિવસથી બંધ હાલતમાં રહેલા છે.

આ સાથે મિનિપ્લેક્સ ના માલિકો અને ઓપરેટરો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી દેશ-વિદેશમાં ફરીને ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતા દેખાડી રહ્યા છે બીજી તરફ છેલ્લા 50 દિવસથી સરકારના કે AMC ના કોઈ અધિકારી દ્વારા અમને જવાબ આપવામાં આવી રહ્યો નથી કે, મિનિપ્લેક્સના સીલ ક્યારે ખોલાશે.