GujaratAhmedabad

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે હાલ વિરોધ માહોલ બન્યો છે. કેમ કે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. તેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં થોડા દિવસ પહેલા આ બાબતમાં અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં 20 થી 25 લોકોના ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. હવે આ મામલામાં સમાચાર સામે આવ્યા છે કે, ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા આ મામલામાં 12 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ કાર્યાલયમાં પથ્થરમારો, તોડફોડને લઈને ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા જ્વલિત મહેતા, ઋત્વિક શ્રૈયાંસ શાહ, ચિંતન લોધા તેમજ અન્ય નવ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ અગાઉ આ ઘટનામાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને 200 જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની દાખલ કરવામાં આવી હતી. જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની રહેલી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંધવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિંદુઓને લઈને 1 જુલાઈના રોજ કથિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેના લીધે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.  આ નિવેદન બાદ બીજું જુલાઈના રોજ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. જ્યારે 20 થી 25 લોકોના ટોળા દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. તેની સાથે રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પણ પહોંચી હતી.