SaurashtraGujaratJamnagar

જામનગરમાં ક્ષત્રિય આંદોલનના પાર્ટ-૨ ની શરૂઆત, રાજપૂત સમાજની ૨૧ મહિલા પ્રતીક ઉપવાસ પર બેસી

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે પુરુષોત્તમ રૂપાલાની સાથે ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રાજપૂત સમાજ બહાર ધરણાં યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. તેની સાથે જામનગર ઉપરાંત રાજકોટમાં પણ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ નોંધાવવા સંકલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરાઈ હતી. તેના અંતર્ગત રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા હાથમાં પોસ્ટર રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગરમાં સાત દિવસ સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવાનો છે. જેમાં દરરોજ 21 જેટલી મહિલાઓ પ્રતીક ઉપવાસ કરવાના છે. આજે પ્રથમ દિવસના 21 જેટલી મહિલાઓ દ્વારા ધરણાં પર બેસવામાં આવ્યું છે. જામનગરમાં રાજપૂત સમાજ બહાર રાજપૂત મહિલાઓ દ્વારા ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા સામે વિરોધ કરવામાં આવ્યો છે. ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ પાર્ટ-2ની શરૂઆત કરાઈ છે. રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા પ્રતીક ઉપવાસ પર ઉતારવામાં આવ્યું છે.

તેની સાથે આ બાબતમાં હિનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ રૂપાલા સાહેબ વિરુદ્ધ વિરોધ નોધાવશે. ભાજપ સામે કે મોદી સામે અમારો કોઈ વિરોધ રહેલો નથી. અમારી માગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ તેમની ટિકિટ રદ કરવામાં આવી નથી. હવે અમારું ભાજપ વિરુદ્ધ મિશન-2 શરૂ થઈ રહ્યું છે. આજથી અમે અનશન પર ઉતરેલા છીએ. દરરોજ 21 બહેન અનશન પર બેસશે. અમે હવે ભાજપને હટાવવા ઈચ્છીએ છીએ.

તેની સાથે પુરુષોત્તમ રૂપાલા વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તમામ જિલ્લા અને તાલુકામાં પ્રતીક ઉપવાસ કરાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના રૂડામાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આજે યુનિવર્સિટી રોડ પર રૂડા વિસ્તારના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. કમળ કા ફૂલ હમારી ભૂલ તેમજ જય ભવાની ભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચાર કરાયા હતા. તેના સિવાય રામધૂન બોલાવીને પ્રતીક ઉપવાસનો પ્રારંભ કરાયો હતો. આ સિવાય આજે મધ્યસ્થ કાર્યાલયનો પણ પ્રારંભ કરાયો હતો. આગામી ત્રણ દિવસમાં વોર્ડવાઇઝ કાર્યાલય શરૂ કરી ભાજપવિરોધી મતદાન માટેના પ્રયાસ કરાશે.