North GujaratGujaratMehsana

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની મુશ્કેલીમાં થયો વધારો, ચૂંટણી અધિકારી આ બાબતમાં ફટકારી નોટીસ….

લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતમાં તમામ 25 બેઠકો પર 7 મેં ના રોજ મતદાન યોજાવાનું છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં પાટણથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને ચૂંટણી ખર્ચને લઇને પાટણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોને ચૂંટણી ખર્ચ નો હિસાબ આપવાનો હોય છે. 27 એપ્રિલ સુધી હિસાબોને રજૂ કરવાના હતા. ભરતસિંહ ડાભી ના ચૂંટણી ખર્ચની વિગતો હિસાબોમાં અધૂરી રહેલી હતી. તેના લીધે ચૂંટણી અધિકારી દ્વારા આવતીકાલ સુધીની મુદત આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને 27 એપ્રિલ સુધી નિયત દિવસ સુધીમાં ખર્ચના હિસાબ રજુ કરવા માટેની સૂચના અપાઈ હતી. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા રજૂ કરવામાં આવેલ હિસાબમાં અધૂરી વિગતો રજૂ કરવામાં આવતા 30 એપ્રિલ સુધી સંપૂર્ણ હિસાબ રજૂ કરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર 50 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. પાટણમાં લોકસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા ભરતસિંહ ડાભી દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. આ એફિડેવિટ મુજબ ભરતસિંહ ડાભીની પાંચ વર્ષમાં 32 લાખ જંગમ અને 1.87 કરોડ સ્થાવર મિલકત માં વધારો થયેલ છે. પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાસે 83.60 લાખ અને સ્થાવર મિલકત 3.73 કરોડ બતાવવામાં આવી હતી. પાટણ બેઠક પર ભાજપ દ્વારા ભરતસિંહ ડાભી ને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે.