GujaratJamnagarSaurashtra

જ્યાં ત્યાં ગરબા રમતા લોકો ચેતી જજો, રસ્તા પર ગરબા કરીને રીલ વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી

ગરબાને લઈને ગુજરાતીઓમાં ખૂબ ક્રેઝ હોય છે. ઘણા લોકો ગરબાની રિલ્સ બનાવવા માટે ગમે ત્યાં ગરબા પણ રમવા લાગતા હોય છે. અને પછી તેમ કરવું ઘણી વખત ભારે પણ પડતું હોય છે. ત્યારે આવું જ કંઈક જામનગરમાં સામે આવ્યું છે. જ્યાં કેટલાક યુવક યુવતીઓએ રસ્તા વચ્ચે ગરબા રમીને એક રિલ સોશિયલ મીડિયામાં મૂકી હતી. આ લોકોએ રસ્તા વચ્ચે ગરબા રમીને થોડા સમય સુધી રસ્તો બંધ કર્યો હતો. ત્યારે નિયમો નેવે મૂકીને આ રીતે રસ્તા વચ્ચે ગરબા રમતા યુવક યુવતીઓ વિરુદ્ધ જામનગર પોલીસે એક્શન લીધું હતું. અને ગરબા રમતા લોકોને સબક શીખવાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસથી એક રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. જેમાં રસ્તા ની વચ્ચોવચ કેટલાક યુવક યુવતીઓ ગરબા રમી રહ્યા હતા. ત્યારે આ વાયરલ વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવક યુવતીઓએ બેડી બંદર રોડ કે જ્યાં ભારે વાહનોની સત્ય અવરજવર રહેતી હોય છે ત્યાં ગરબા કરીને રીલ બનાવી હતી. અને આ લોકોએ રિલ્સ  બનાવવા માટે થઈને રસ્તા પર અવરજવર કરતા વાહનો ને અટકાવ્યા હતા. જેથી થોડા સમય માટે રસ્તા પરની અવરજવર પણ થંભી ગઈ હતી.

નોંધનીય છે કે, આ વાયરલ વીડિયોને લઈને જામનગર પોલીસે  આ મામલે તપાસ હાથ ધરી હતી.  જેમા જાણવા મળ્યું કે, રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે રસ્તા પર નિયમો નેવે મૂકીને યંગસ્ટર્સને ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે આ ગરબા ક્લાસીસના સંચાલકો વિરુદ્ધ જામનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને ગરબા ક્લાસીસના સંચાલકોની પોલીસે ધરપકડ કરીને તેમને સબક શીખવાડ્યો છે.