AhmedabadGujarat

એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા લોકો બન્યા સંપર્ક વિહોણા, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમેરિકા જઈને સ્થાયી થવું એ દરેકનું સપનું હોય છે. પરંતુ લોકો આ સપનું પુરુ કરવા માટે ખોટો રસ્તો અપનાવતા હોય છે. અને બાદમાં મોટી મુસીબતમાં ફસાઈ જતા હોય છે. આવું જ કંઈક પ્રતિજથી સામે આવ્યું છે. જ્યાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ એક એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા. આ માટે એજન્ટે 70 લાખ રૂપિયા માંગ્યા હતા જેમાં એડવાન્સ રૂપે 20.લાખ રૂપિયા આપ્યા હતા. મહિલાના પતિ અલગ અલગ દેશોમાં થઈને અમેરિકા પહોંચવાના હતા. પરંતુ ડોમિનિકા પહોંચ્યા બાદ થી તેમના પતિ સાથે છેલ્લા ઘણા સમયથી સંપર્ક થઈ શક્યો નથી. તેમજ આ અંગે એજન્ટ સાથે મહિલાએ સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે તમારા પતિની સાથે અન્ય 8 લોકો પણ છે. પરંતુ તપાસ કરતા માલુમ પડ્યું કે તેમાંથી પણ 4 લોકોનો તેમના પરિવાર સાથે છેલ્લા 6 મહિનાથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને એક એજન્ટની ધરપકડ કરી છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદી ચેતનાબેન રબારીના પતિ ભરતભાઈ બાબરભાઇ રબારીને મળવા 7 સાત મહિના અગાઉ તેમના ઘરે અમેરિકા ગેરકાયદેસર રીતે મોકલનાર એજન્ટ દિવ્યેશ કુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ આવ્યા હતા..તે દરમિયાન આ એજેન્ટે વર્ક પરમીટ પર ફરિયાદીના પતિ ભરતભાઇને અમેરિકા લઇ જવાની વાત કરી હતી. જે માટે તમારે કુલ 70 લાખ રૂપિયા આપવા પડશે. જેમાં અમેરિકા પહોંચો તે પહેલાં 20 લાખ રૂપિયા અને ત્યાં પહોંચ્યા પછી બાકીના 50 લાખ રૂપિયા આપવાની વાત એજન્ટે કરી હતી, જેથી ભરતભાઈએ તેમના સગાં-સંબંધીઓ પાસેથી ઉછીના પેટે 20 લાખ રૂપિયા લઈને એજન્ટ દિવ્યેશભાઇને આપ્યા હતા. તેમજ બાકીના 50 લાખ રૂપિયા અમેરિકા પહોચીને ત્યાં નોકરી કરી ચૂકવી દેશે એમ નક્કી કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ભરતભાઇ તારીખ 8 જાન્યુઆરી 2023ના અમદાવાદ એરપોરથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જ્યાં મુંબઈ જવાની ફ્લાઈટમાં એજન્ટ દિવ્યેશભાઇ એ ભરતભાઈને બેસાડ્યા હતા. ભરતભાઈ એ મુંબઈ પહોંચ્યા પછી તેમની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે  તેઓ મુંબઇથી હું પહેલા નેધરલેન્ડના એમસ્ટર્ડમ અને ત્યાં 4-5 દિવસ રોકાઇને પોર્ટ ઓફ સ્પેન જશે. ભરતભાઇએ પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા પછી તેમની પત્નીને ફોન કરીને કહ્યું કે હવે અહીંથી ડોમિનિકા જવાનું છે. અને ડોમિનિકા પહોંચ્યા બાદથી 15 ફિવસ થઈ ગયા હોવા છતાં ભરતભાઇ સાથે સંપર્ક ન થતાં ફરિયાદી ચેતનાબેને એજન્ટ દિવ્યેશભાઈને મળવા માયે તેમનાં બે કુટુંબીજનોને મોકલ્યા હતા. ત્યારે એજન્ટે જણાવ્યું કે, ભરતભાઈ અન્ય ગુજરાતીઓ સાથે હાલ માર્ટિનીક્યુ ખાતે છે. અને ભરતભાઇ 10-15 દિવસમાં અમેરિકા પહોંચી જશે અને તમારો સંપર્ક થઈ જશે. જો કે 15 દિવસ થઈ ગયા હોવા છતાં પણ સંપર્ક ના થતા ફરિયાદી ચેતનાબેને ફરીથી તેમના કુટુંબીઓને એજન્ટ સાથે મળવા મોકલ્યા હતા. ત્યારે એજન્ટે જણાવ્યું કેઝ અન્ય 8 લોકો પણ ભરતભાઇની સાથે જ છે. તમે કોઈપણ પ્રકારની ચિંતા કરશો નહિ. જેથી ચેતનાબેને ભરતભાઈએ જે અન્ય 8 લોકો હોવાની વાત કરી હતી તે 8 લોકોના પરિવારને મળ્યા હતા. જ્યાં જાણવા મળ્યું કે, છેલ્લા સાત મહિનાથી તેમનો પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

નોંધનીય છે કે, પતિ સાથે સંપર્ક ના થતા ચેતનાબેને આ સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે દિવ્યેશ પટેલ ઉર્ફે જોની મનોજકુમાર પટેલની ધરપકડ કરી છે. તેમજ અગાઉ પણ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કિસ્સામાં જેમનું નામ સામે આવ્યું હતું તેવા ક્લોલના ડીંગુચા ગામના મહેન્દ્રભાઇ ઉર્ફે એમ.ડી. બળદેવભાઇ પટેલની પણ આ કેસમાં સંડોવણી સામે આવતા તેમની પણ ઘરપકડ કરવા માયે પોલીસે તાજવીજ હાથ ધરી છે. તેમજ એજન્ટે જણાવેલ અનુસાર ભરતભાઈ ની સાથેના અન્ય 8 લોકો અંગે માહિતી મેળવવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.