South GujaratGujaratNavsari

ગુજરાતમાં સર્વત્ર વરસાદ : નવસારીમાં ભારે વરસાદને જોતા શાળા અને કોલેજો બંધનો આદેશ

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ ના મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેની સાથે સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જૂનાગઢના વિસાવદરમાં સાડા 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જુનાગઢ સિટીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેની સાથે નવસારીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. રસ્તાઓ પાણી ભરાઈ જતા બે તાલુકાઓમાં શાળાઓ કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

નવસારીમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. નવસારી જિલ્લાના બે તાલુકાઓ માં 8 ઇંચ થી વધુ, 2 તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાત્રીના નવસારી, જલાલપોર, ગણદેવી અને ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના લીધે રસ્તાઓ પણ ભરાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, ભારે વરસાદના લીધે નવસારી જિલ્લાના બે તાલુકામાં શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોર ની આંગણવાડી, શાળા, કોલેજ, ITI, બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાના બીજા 4 તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે.