SaurashtraGujaratRajkot

રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB) દ્વારા અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનસુખ સાગઠીયાની આવક કરતા 410 ટકા સંપત્તિ વધુ મળી આવતા એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACB દ્વારા ત્રણ સ્થળ પર દરોડા પાડીને સાગઠીયાની કાળી કમાણી ઝડપી પાડવામાં આવી છે. .

નોંધનીય છે કે, ACB ની તપાસમાં મોટા ખુલાસો થયા છે. રાજકોટમાં મનસુખ સાગઠીયા દ્વારા એક ગેસ એજન્સી ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમના નામે પેટ્રોલ પંપ ચાલી રહ્યો છે. આ સિવાય અમદાવાદના અડાલજ પાસે આવેલા અદાણી શાંતિગ્રામમાં કૌભાંડી સાગઠીયાનો વૈભવી બંગલો પણ હોવાનું સામે આવ્યું છે. હાલમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની કાળી કમાણી મળી આવેલ છે. એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા મહાભ્રષ્ટ સાગઠીયાના ભાઈની રાજકોટની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

તેની સાથે મનસુખ સાગઠીયાની વાત કરીએ તો તે દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, મલેશિયા, માલદીવ, શ્રીલંકા સહિતના દેશોમાં પ્રવાસો કરી ચુક્યા છે. જ્યારે એસીબી દ્વારા રાજકોટ ખાતે આવેલી સાગઠીયાના ભાઇની ઓફિસ પર પણ દરોડા પાડવાની સાથે તેમના વતનમાં પણ એસીબી તપાસ કરવામાં આવી રહી છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિર સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.