SaurashtraGujaratRajkot

રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલમાં પોલીસમાં રજૂઆત કરાઈ હતી. તેના લીધે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાંચ લોકોની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલામાં કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે. આ મામલામાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

જાણકારી અનુસાર, પત્રિકા વિતરણનાં સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને ઝડપવા માટે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી છે. આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈ શરદ ધાનાણીની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારે આ મામલામાં હવે પરેશ ધાનાણીની મુશ્કેલી વધારો થઈ શકે છે.

નોધનીય છે કે, રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. પોલીસ દ્વારા લેઉવા પાટીદાર સમાજના પાંચ યુવકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતને લઈને કોંગ્રેસના લેઉવા પાટીદાર આગેવાનો ક્રાઈમ બ્રાન્ચ પણ પહોંચ્યા હતા. જ્યાં યુવકોની ગેરકાયદેસર રીતે અટકાયત કરાઈ હોવાના કોંગ્રેસ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

તેની સાથે રાજકોટમાં ભાજપ દ્વારા આ મામલામાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. લેઉવા-કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાનાં માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જાગો લેઉવા પટેલ જાગો શીર્ષક હેઠળની પત્રિકા વાયરલ કરવામાં આવી હતી.