દાનના મામલે અમદાવાદ શહેરમાં અસારવા વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલે રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલને જે.એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન દ્વારા CSR હેઠળ 1.28 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા દાનમાં મળેલા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરી માટેના સચોટ નિદાન માટે ઉપયોગી સાધનો વસાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલને મળેલા દાનમાંથી વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન જે 25 લાખ રૂપિયાનું છે તે મળી રહેતા હવેથી સિવિલમાં બાળકોને વીડિયો ગેસ્ટ્રોસ્કોપની સુવિધા મળતી થશે. આ સુવિધા માટે બાળકોને અત્યાર સુધી બહાર મોકલવા પડતા હતા. હાઈ ફ્રિકવન્સી સી.આર્મ મશીન વિથ ડી.એસ.એ. મશીન 23 લાખ રૂપિયામાંનું છે જેનાથી સચોટ નિદાન અને સારવાર મળી રહેશે. તેમજ બે મેડિકલ ગ્રેડ મોનીટર 6 લાખ રૂપિયાનું છે તેને ઓપરેટિવ કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવશે, પરિણામે તમામ સર્જરીનું રેકોર્ડ થઈ શકશે, જે અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ સિવાય 5 લાખ રૂપિયાના બે ઓપરેશન ટેબલ તેમજ 32 લાખ રૂપિયાના બે એનેસ્થેસિયા વર્કસ્ટેશન ઉપલબ્ધ થતા હવેથી નાના બાળકોને એકદમ સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપી શકાશે. તેમજ બાળરોગ સર્જરી વિભાગમાં 500 ગ્રામથી લઈને 50 કિલોના વજન ધરાવતા દર્દીના ઓપરેશનમાં એકદમ સરળતા થશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલમાં દર વર્ષે જન્મજાત બાળકથી લઈને 12 વર્ષ સુધીના આશરે 2300 જેટલા બાળકોની સર્જરી થાય છે, તેમજ 1 હજાર રેડીયોલોજીકલ પ્રોસીઝર કરવામાં આવે છે. CSR ફંડથી માત્ર બે જ મહિનામાં આ તમામ ઉપયોગી સાધનોની ખરીદી પૂર્ણ થઈ છે.