
આપણે ત્યાં વિદેશ જઈને સેટ થવું તેવું ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ કેટલાક લોકો આ સપનાને પૂરું કરવા માટે થઈને ખોટો રસ્તો અપનાવતા હોય છે. અને પછી તે લોકો મોટી મુસીબતમાં ફસાઈ જતા હોય છે. આવું જ કંઇક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં અમેરિકા જઈને સેટ થવા માંગતું એક દંપત્તિ અમેરિકામાં ગેરકાયદેસર રીતે જઇ રહ્યું હતું. પરંતુ આ દરમિયાન આ દંપતિનું ઈરાનમાં અપહરણ થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં વસવાટ કરતા પંકજકુમાર ભરતભાઈ પટેલ અને તેમના પત્નીએ અમેરિકા ગેરકાયદેસર રીતે જવાનો પ્લાન બનાવ્યો હતો. અને તેમણે અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં એક એજન્ટ પાસે આ સોદો કર્યો હતો. પંકજ પટેલના ભાઈ સંકેત પટેલે આ સમગ્ર મામલે પોલીસને જણાવ્યું હતું કે, મારા ભાઈને એજન્ટે પહેલા હૈદરાબાદ, ત્યાર પછી બીજા એક એજન્ટ મારફતે દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે તેવું કહ્યું હતું. પરંતુ તેઓ અમેરિકા પહોંચે તે પહેલા જ ભાઈ ભાભીનું ઈરાનમાં અપહરણ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, પંકજ પટેલ અને તેમના પત્નીનું અપહરણ કરીને અપહરણ કર્તાઓએ પરિવારને એક વીડિયો મોકલાવ્યો છે. જેમાં આ દંપતી કોઈ હોટલના સ્વીમિંગ પૂલ પાસે ઉભા છે. ત્યારપછીના વીડિયોમાં અપહરણકર્તાઓ બ્લેડથી પંકજના શરીર પર ઘા મારે છે. અને પંકજ રડીને જોર જોરથી કહે છે જલદી પૈસા મોકલો નહીં તો આ લોકો મારુ ખૂન કરી નાખશે.
તમને જણાવી દઈએ કે, હાલ તો પરિવારજનો દ્વાએ પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ દંપતીને કેવી બચાવી શકાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.