GujaratRajkotSaurashtra

પતિને છોડીને સગા મામાના દીકરા સાથે કર્યા પ્રેમ લગ્ન અને પછી ખેલાયો ખૂની ખેલ

રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ જય સરદાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ખાતે આવેલ કાંગારુ કોર્પોરેશન કારખાનાની ઓરડીમાં વસવાટ કરતી 30 વર્ષની ઉંમરની પરણીતા જાકરી બાનુ ઉર્ફે કરકીની હત્યા તેના જ સગા મામાના દીકરા તેમજ બીજા નંબરના પતિ એવા મોબીન જમીલ અહેમદે કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે મૃતકનાનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, 15 વર્ષ પહેલાં અલીઅહેમદ નામના વ્યક્તિ સાથે જાકરીબાનુ ઉર્ફે કરકીના લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન મારી જાકરીબાનુંને બે પુત્ર તેમજ ત્રણ પુત્રી થયેલી છે. જાકરીબાનુએ એક વર્ષ પહેલાં તેના સગા મામાના દીકરા મોબીન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અને તે ત્યાં તેની સાથે રહેવા જતી રહી હતી. પહેલા પતિથી થયેલ સંતાનો જાકરીબાનુના પતિ સાથે જ રહે છે. આ પહેલા પણ મોબિન સાથે જાકરીબાનુ ભાગી ગઇ હતી પરંતુ પરિવારના લોકો તેને સમજાવીને પરત લાવ્યા હતા. અને તેના પતિના ઘરે મૂકીને તેની સાથે સબંધ પૂરો કરી દીધો હતો.

મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા છ મહિનાથી મોબીન રાજકોટ શહેરમાં આવેલા કાંગારુ કોર્પોરેશન યુનિટ-2માં કામ કરતો હતો. તેમજ કારખાનાની અગાસી ઉપર બનાવેલ એક રૂમમાં જાકરીબાનુને મોબીન પત્ની તરીકે રાખતો હતો. મોબીન તેનો પગાર લઈને13 જૂન 2023ના રોજ ઓરડીમાં લોક મારીને જતો રહ્યો હતો. 20 તારીખના રોજ આ ઓરડીમાંથી ખૂબ જ ખરાબ વાસ આવતા ઓરડીનું તાળું તોડ્યું તો અંદરથી જાકરીબાનુંની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

તમને જણાવી દઈએ કે, જાકરીબાનુની લાશ મળતા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અને લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે ગળે ટૂંપો આપીને જાકરીબાનુંની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.