GujaratAhmedabad

AMC ના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતી નદીમાં કુદી આપઘાત કર્યો

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર જયદીપ પટેલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેમના દ્વારા સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરવામાં આવ્યો છે. મંગળવાર રાત્રીના પાલડી નજીક સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવાની જાણકારી  મળી હતી. તેના લીધે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી લાશને બહાર કઢાઈ હતી.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને આ મામલામાં જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક જયદીપ પટેલ એસ્ટેટ વિભાગ ના સબ ઇન્સ્પેક્ટર હોવાની જાણકારી સામે આવી હતી. ત્યાર બાદ AMC અને તેના પરિવારજનો જાણ કરાઈ હતી. જ્યારે હાલમાં જયદીપ પટેલ દ્વારા આપઘાત કેમ કરવામાં આવ્યો તે મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃતક જયદીપ પટેલના એક મહિના બાદ લગ્ન પણ થવાના હતા. જ્યારે હવે આ મામલામાં પોલીસ દ્વારા તે પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે, પારિવારિક કારણે યુવકે આપઘાત કર્યો છે કે પછી નોકરીનું કારણ છે.