GujaratMadhya Gujarat

ચોટીલામાં તિરંગા યાત્રામાં ગાંધી-સરદારને બદલે સાવરકરના ટી-શર્ટ! કોંગ્રેસ નેતાઓ સામે નોંધાયો ગુનો

ચોટીલાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચોટીલામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા બાળકોને વીર સાવરકરની ટી-શર્ટ પહેરાવવામાં આવી હતી. એવામાં હવે આ મામલામાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ સામે ગુનો દાખલ કરાયો છે.

તમને જણાવી દઈએ કે, મોરબી થી શરૂ થયેલી કોંગ્રેસ ની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી. ત્યારે આજે આ ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલા થી સાત કિલોમીટર દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકો દ્વારા વીર સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરવામાં આવતા કોંગ્રેસમાં આક્રોશ જોવા મળ્યો હતો.

તેની સાથે ભાજપ દ્વારા જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન લડવૈયાઓને ભૂલી અને વીર સાવરકરની છાપ બાળકોના મગજમાં ઊભી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા બાળકોના ટી-શર્ટ પણ કઢાવવામાં આવ્યા હતા.

આ બાબતમાં ચોટીલાના કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસેથી ન્યાય યાત્રા પ્રસાર થઈ રહી હતી. તે સમયે સરકારી શાળાની તિરંગા યાત્રા પ્રસાર થઇ તે સમયે ધ્યાનમાં આવ્યું કે, શાળાના બાળકો દ્વારા કેસરી કલરના ટી-શર્ટ પહેરવા માં આવી હતી. કેસરી કલર સાથે કોઇ વાંધો રહેલ નથી પરંતુ નજીકથી જોયું તો સાવરકરની તસવીરો જોવા મળી હતી. સ્વાભાવિક રીતે પૂછવામાં આવતા જાણવા મળ્યું હતું કે, સમગ્ર તાલુકામાં 10 હજાર ટી-શર્ટ નું વિતરણ સંસ્થાના નામે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.”

 

તેની સાથે વધુમાં ઋત્વિક મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યની સરકાર દ્વારા એક બાજુ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરવામાં આવે છે, સરદાર પટેલની વાત કરવામાં આવે છે બીજી તરફ મહાત્મા મંદિરની વાત કરવામાં આવે છે પરંતુ પડદા પાછળ કંઇક બીજું જોવા મળી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાંથી ગાંધી-સરદારનું નામ મીટાવી સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે તેના પર તાત્કાલિક પગલા ભરવામાં આવે. આ મામલામાં ફરિયાદ થવી જોઇએ અને આ વિતરણ કોના દ્વારા કરવામ આવ્યું તેની તપાસ થવી જોઈએ. આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર રહેલા છે, ગાંધી અને સરદાર હતા અને આવનારા સમયમાં પણ ગાંધી અને સરદાર જ રહેશે. તમે ગમે તેટલી મહેનત કરો ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂસી શકશો નહીં.