દિવસેને દિવસે ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આમ તો ચેઇન સ્નેચિંગની વાત આવે એટલે સામનું રીતે લોકો એવું સમજે કે રીઢા ગુનેગારો જ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક SRPનો જવાન જ હાલ તો ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે. મહીલાની ચેઇન ખેંચીને ભાગવા જતાં લોકોએ SRPના જવાનને ઝડપી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા ગામમાં વસવાટ કરતા હંસાબેન પ્રજાપતિ નામના એક મહીલા ગતરોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરેથી ચાલીને રાજચંદ્ર સોસાયટી બાજુ જઇ રહ્યાં હતાં. ત્યારે અંદાજે 5.30 વાગ્એ તેઓ નરોડા પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ રાજચંદ્ર સોસાયટીના ગેટની સામે બાજુના રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં. તે દરમિયાન એક ઇસમ મોઢા પર રૂમાલ બાંધીને ચાલતો ચાલતો આવ્યો અને અચાનક જ તે ઇસમે મહીલાએ ગળામાં પહેરેલી ચેઇન તોડીને ભાગવા ગયો હતો. પરંતુ મહીલાએ તરત જ બુમાબુમ કરતાં એક ટ્રાફિક પોલીસના જવાન તાત્કાલિક મોટર સાયકલ લઇને આવ્યા અને તેમણે ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીની આગળ બાઇક ઉભી રાખતા તેણે બીજી બાજુથી ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે ત્યાં હાજર બે લોકોએ તેને પકડી લીધો હતો. ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમિત પરમાર નામનો આ ઇસમ મૂળ સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી છે. અને તે SRP પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.
નોંધનીય છે કે, સમગ્ર બાબતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોચી હતી. અને મહીલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીએ આ અગાઉ કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આરોપીએ અમદાવાદ ચેઇન સ્નેચિંગ કરવા માટે ત્રણ દિવસની રજા મુકી હતી.