સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને સિન્ડિકેટ મેમ્બર્સ આવી ગયા સામસામે
જામનગરના નાઘેડી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ કરાવવામાં આવતી ચોરીનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ સત્તાધીશો બેકફુટ પર આવ્યા હતા. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ આ કેસમાં કોલેજને બચાવવાના મૂડમાં હોવાથી તેમણે કોલેજનું માત્ર કોમર્સનું જોડાણ રદ્દ કરીને કાર્યવાહી કરીને સરકારને કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ સિન્ડીકેટ સભ્યો આ મામલે કોલેજની માન્યતા રદ્દ કરવા માટે મક્કમ હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આ મામલે સિન્ડિકેટ બેઠક બોલાવવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્રસ્ટી પિયુષ પટેલ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં અંગત ગણાય છે. કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજની ઓફિશિયલ વેબસાઇટ પર ટ્રસ્ટી તરીકે જાહેર કરાયા છે. જોકે વિવાદ પછી કોલેજની ઓફિશિયલ વેબ સાઇટ પર થી ટ્રસ્ટીની યાદી જ હટાવી દેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 2008 થી શ્રી સ્વામિનારાયણ કોલેજ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણી જોડાયેલા છે. કોલેજ સાથે જોડાયા પછી અબેક વખત તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ટ્રાન્સફર થયા હોવાની માહિતી છે. જો સરકાર આ મામલે તપાસ કરાવે તો ભીમાણીના અનેક કૌંભાડોનો પર્દાફાશ થઈ શકે છે. પિયુષ પટેલ, શ્રી સ્વામિનારાયણ કોલેજ ટ્રસ્ટ અને ડો. ગીરીશ ભીમાણીનાં બેન્ક ટ્રાન્જેક્શનની જો તપાસ કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું કૌંભાડ સામે આવશે. હાલ તો ડો. ગીરીશ ભીમાણીને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.