સ્વજનના અંગોનું દાન કરવા ના નિર્ણય થી પાંચ લોકોને મળ્યું નવજીવન
લોકોમાં અંગદાન ને લઈને વધી રહેલી જાગૃતિને કારણે અત્યાર સુધીમાં અનેક દર્દીઓને નવજીવન મળી ચૂક્યું છે.ત્યારે રાજકોટમાં વધુ એક પરિવારે તેમના સ્વજન બ્રેનડેડ જાહેર થતા અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અને પરિવારે સ્વજનની બે કિડની, આંખો તેમજ લિવર નું દાન કરીને 5 વ્યક્તિ ને નવજીવન આપ્યું હતું. ડૉક્ટરોએ પણ પરિવારની મંજૂરી બાદ એક પળની પણ રાહ જોયા વિના તરત જ ગ્રીન કોરિડોર વડે તમામ અંગોને રાજકોટ શહેરની ઓમેગા હોસ્પિટલ ખાતેથી અમદાવાદ ખાતે આવેલી સીમ્સ હોસ્પિટલમાં પહોંચાડવા માટે ની વ્યવસ્થા ઊભી કરી હતી.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ભાવનાબેન ના જણાવ્યા અનુસાર, એકાદ અઠવાડિયા પહેલા માળિયાહાટીના ખાતે વસવાટ કરતા શિક્ષક રાજુભાઈ મણિશંકરભાઈ મહેતા સવારના સમયે વહેલા ઊઠીને તેમનું નિત્યક્રમ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તેમને ચક્કર આવી જતા રાજુભાઇ પડી ગયા હતા. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે પહેલા માળીયાહાટીના સરકારી હોસ્પિટલમાં અને પછી જુનાગઢ લઈ ગયા હતા. જ્યાં મગજની વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને ગંભીર ઈજા પહોંચી છે. તેથી તેમને રાજકોટ શહેરની ઓમેગા હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં હાજર નિષ્ણાત ડૉક્ટરોની ટીમે રાજુભાઈ ની સારવાર કર્યા પછી તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ રાજુભાઇના પરિવારજનોને બોલાવી ડોકટરોએ અંગદાનનું મહત્વ સમજાવ્યું અને મ રાજુભાઈના અંગોનું દાન કરવા માટેની અપીલ કરી હતી.
નોંધનીય છે કે, ડૉક્ટરોએ અંગદાન નુ મહત્વ સમજાવતા રાજુભાઇ પરિવારજનોએ અંગદાન કરવાની મંજૂરી આપી હતી. અને રાજુભાઈ ની બે કિડની, આંખો તેમજ તેમના લિવરનું દાન કર્યું હતું. ત્યારપછી ઓમેગા હોસ્પિટલના ડૉ. ભાર્ગવ સિણોજીયા, ડો. કુંજેશ રૂપાપરાએ અને ડૉ. યતિન સવસાણી અમદાવાદ ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલનાં ડૉક્ટરો, સરકાર અને પોલીસ કર્મીઓની મદદથી ગણતરીની મિનિટોમાં જ રાજી ભાઈના અંગોને ગ્રીન કોરિડોર થી અમદાવાદ ખાતે આવેલ સીમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે રાજુભાઇનાં પરિવાર સહિતનાં સૌનો ઓમેગા હોસ્પિટલના ડૉક્ટરોએ આભાર માન્યો હતો.