AhmedabadGujarat

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને કરી નવી આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાત પર હાલ વરસાદી માહોલ બનેલો છે. તેને લઈને ગુજરાતમાં ચારોતરફ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ બનતા નુકસાની વેઠવાનો પણ લોકોને વારો આવ્યો છે. તેની સાથે મધ્ય પ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 30 % થી વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

તેની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા દિવસે 1 થી 7 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના લીધે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન રહેલું છે.

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેના સિવાય જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદી માહોલ બની શકે છે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં ત્રણ જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા રહેલી છે.