AhmedabadGujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. તેના લીધે આવતીકાલના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને જોતા માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય બનેલ છે. આ સર્ક્યુલેશનના લીધે સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદી માહોલ રહેવાનો છે. તેની સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં ફેરફાર જોવા મળે તેની શક્યતા રહેલી છે.