જમીનની સોપારી લઈને હત્યા કરનાર આરોપીની પોલીસે 14 વર્ષે કરી ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર નામના ગામે એક જમીનની તકરારમાં વર્ષ 2009માં ચનાભાઈ જસેડીયા નામના એક વ્યક્તિનું અપહરણ કરી તેમની હત્યા કરવાના ગુનામાં વોન્ટેડ આરોપી એવા ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનું શંકરસિંહ ઠાકુર આગ્રામાં વસવાટ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે બાતમીના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે જુઉ જુદી ટિમો બનાવીને આરોપીની શોધ ખોળ શરૂ કરી હતી. સતત બે દિવસ સુધી આરોપીની રેકી કરીને આગ્રાના તાજનગર નજીક આવેલા આશ્રમ પાસેથી આરોપી ગજેન્દ્રસિંહ ને પોલીસે દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, મૃતક ચનાભાઈના ભાઈ ભૂરાભાઈ જસેડીયાને લગ્ન જીવન દરમિયાન તેમની પત્ની સાથે અણબનાવ થતા તેમની પત્ની પિયર રહેવા જતી રહી હતી. અને ભૂરાભાઈ પુત્ર બાબુ અને જીવરાજ સાથે રાજકોટ રહેવા આવ્યા હતાં. ત્યારે ભૂરાભાઈએ તેમની પારિવારિક જમીનમાં તેમના ભાગે આવતી 115 વિઘા જમીન તેમના બંને ભાઈઓ મકનભાઈ અને ચનાભાઈને વેચી દીધી હતી. ત્યારે ભૂરાભાઈના પુત્ર બાબુ જસેડીયાએ થોડા વર્ષો પછી આ જમીન પરત લેવા માટે કોર્ટમાં ચનભાઈ વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં ચનાભાઈ કેસ જીતી જતા બાબુ જસેડીયાએ આ જમીનના કાગળ પર સહી કરાવવા માટે ગજેન્દ્રસિંહ ઉર્ફે શંકરસિંહ ઠાકુરને સોપારી આપી હતી.
નોંધનીય છે કે, બાબુભાઈએ સોપારી આપતા ગજેન્દ્રસિંહ ઉર્ફે શંકરસિંહ ઠાકુર ચનભાઈ પાસે જમીનના દસ્તાવેજ પર સહી કરાવવા માટે ગયો ત્યારે ચનભાઈએ આ માટે ના પાડી દેતા આરોપી ગાજેન્દ્રસિંહે ચનાભાઈની હત્યા કરી નાખી હતી. અને બાદમાં તેના સાગરીતો સાથે મળીને ચનાભાઈની લાશને ઠેકાણે લગાવી હતી.
તમને જણાવી દઈએ કે, ચનાભાઈની હત્યા થઈ ત્યારે પોલીસે આરોપી બાબુ જેસડીયા, ધર્મેશ સાંગાણી, છગન જસેડીયાએ, મુળુ મેર, મગન સાંગાણી, કરણ ઉર્ફે પોલો મેર તેમજ પરેશ સાંગાણીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આ ગુનામાં સોપારી લઇને હત્યા કરનાર ગજેન્દ્રસિંહ ઠાકુર છેલ્લા 14 વર્ષથી ભાગતો ફરતો હતો. જેને પણ પોલીસે ઝડપી પાડી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.