રેસ્ક્યુ ટીમે માસૂમને બચાવ્યો! જામનગરમાં બોરવેલમાં પડેલા બે વર્ષીય બાળકને હેમખેમ બહાર કાઢ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં બે વર્ષીય એક બાળક રમતાં રમતાં પડી ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે હવે આ બાળકને લઈને જાણકારી સામે આવી છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યું છે. તેની સાથે 108 ની મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે બાળકને લઇ જવામાં આવ્યું હતું. આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા બાળકને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપેરશન શરુ કરવામાં આવ્યું હતું. બાળક જમીનથી 200 ફૂટ ઊંડા બોરવેલમાં 12 ફૂટ નીચે ફસાયેલું હોવાના લીધે તેને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદીને હાથેથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયેલ હતું ત્યાંથી તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જાણકારી મુજબ, ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ 14 ફૂટ ઊંડો ખાડો ખોદવાની સાથે સાઈડમાંથી પણ હાથેથી બ્રેકર વડે ખાડો ખોદીને બાળકના હાથ સુધી પહોંચી હતી. તેમ છતાં બાળક દ્વારા રેસ્ક્યૂ ટીમને સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના રેસક્યુ ટીમ દ્વારા બોરવેલમાં ફસાયેલા બાળકની નજીક પહોંચીને તેનું મોં સાફ કરાયું અને ઓક્સિજન પણ વધુ અપાયો હતો. ત્યારબાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને તેને બચાવી લેવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં આવેલ રણમલભાઈ કરંગીયાની વાડીમાં નિલેશભાઈ ખેતમજૂરી કરી રહ્યા હતા. તે સમયે તેમનો બે વર્ષીય પુત્ર રાજ વાડીમાં રમતા-રમતા ચણા ખાઈ રહ્યો હતો અને અચાનક વાડીમાં રહેલા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. તેની જાણ થતા જ તેના પિતા તુરંત બોરવેલ પાસે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે વાડી માલિકને આ બાબતની જાણ કરી હતી. ત્યાર બાદ આ બાબતની જાણકારી મળતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આ બાબતમાં ઓપરેશન હાથ ધર્યું હતું.