GujaratAhmedabad

રિક્ષા-સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશનને આ બાબતનું ધ્યાન રાખવું પડશે….

સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાળનો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં વાલીઓ માટે રાહત પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલ હડતાળ RTO અધિકારી સાથેની બેઠક બાદ સમેટી લેવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, સરકાર દ્વારા સ્કૂલ વર્ધી વાહનોના ચેકિંગ માટે ડ્રાઇવ શરૂ કરાઈ હતી અને દંડ વસુલવાનું શરૂ પણ કરાયું હતું. તેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હડતાળને લીધે વાલીઓ બાળકોને પોતાનો સમય બગાડીને સ્કૂલે મુકવા અને લેવા માટે જવું પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સ્કૂલ વર્ધી એસોસિએશનની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્કૂલ વર્ધી વાહનોને રજિસ્ટ્રેશન માટે ત્રણ મહિનાનો સમય આપવા માંગ કરાઈ છે. આ સિવાય ફિટનેસ સર્ટિફિકેટ, પાર્સિગ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવાની પણ માંગ કરાઈ હતી. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાળ લીધે વાલીઓ-વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

તેની સાથે RTO અધિકારી દ્વારા બેઠકમાં નિયમમાં કોઇ બાંધ છોડ થશે નહિ તેમ કહેવામાં આવ્યું છે. સ્કૂલ વાન સંચાલકો દ્વારા 45 થી 60 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. RTO ના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ થશે. જ્યારે આ સમયગાળામાં કોઇ બનાવ બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક તેના જવાબદાર રહેશે.