GujaratMehsanaNorth Gujarat

કેનેડામાં ચૌધરી પરિવાર ના મોત મામલે થયો મોટો ખુલાસો, આ કારણોસર મોતને ભેટ્યો પરિવાર

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના ચૌધરી પરિવાર થોડા મહિના પહેલા કેનેડા ફરવા માટે ગયો હતો. જ્યારે કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન અમેરિકામાં ઘુસતા પહેલા જ બોટ પલટી ખાઈ લીધી હતી. તેના લીધે પરિવારના ચારેય સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે આ કેસમાં મોટી જાણકારી સામે આવી છે.

આ મામલામાં જાણકારી સામે આવી છે કે, મહેસાણાના જ ત્રણ વ્યક્તિઓ દ્વારા ચૌધરી પરિવાર પાસેથી 60 લાખ લઇ ટેક્ષીમાં અમેરિકા મોકલી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમ છતાં નદી મારફતે મોકલવામાં આવતા આ પરિવાર મોતને ભેટ્યો હતો. બાબતમાં મૃતક પરિવારના ભાઇ દ્વારા વસાઈ પોલીસમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલામાં મૃતકના ભાઈ અશ્વિનભાઇ વેલજીભાઇ ચૌધરી દ્વારા વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમને જણાવ્યુ છે કે, વિજાપુર તાલુકાના વડાસણા ગામના નિકુલસિંહ વિહોલ, વડાસણા ગામના સચિન ગજેન્દ્રસિંહ વિહોલ અને વિસનગર તાલુકાના દઢીયાળ ગામના અર્જુનસિંહ ચાવડા દ્વારા ભેગા મળીને માણેકપુરા ના મારા ભાઇના પરિવારને 60 લાખમાં અમેરિકા કેનેડા બોર્ડર ક્રોસ કરાવવા માટે ડીલ કરવામાં આવી હતી.

જેમાં આરોપી ઓ દ્વારા મારા ભાઇ ના પરિવારને કેનેડા થી અમેરિકા ટેક્સી મારફતે બોર્ડર ક્રોસ કરાવવાની વાત કરવામા આવી હતી. તેમ છતાં હોડી મારફતે નદી ક્રોસ કરવાનું કહ્યું અને કોઈ સમસ્યા થશે નહીં તેમ વિશ્વાસ માં લીધા હતાં. પરંતુ ખરાબ હવામાન ના લીધે હોડી એ પલટી ખાઈ લીધી હતી. આ કારણોસર સમગ્ર પરિવાર મોતને ભેટ્યો હતો. વસાઇ પોલીસ મૃતકના ભાઇની ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.