SaurashtraGujaratMorbi

મોરબી બોગસ ટોલનાકા કેસમાં ભાજપના નેતા સહીત ત્રણ આરોપીઓની ધરપકડ

મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસમાંપોલીસ દ્વારા ભાજપના આગેવાન સહિત 3  આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ટોલનાકા બાબતમાં 6 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટોલનાકા કેસ નાં મુખ્ય આરોપી અમરશી પટેલ હજુ પણ પોલીસ હાથે લાગ્યો છે. જ્યારે આ અગાઉ બે આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીનાં વાંકાનેર હાઇવે પર નકલી ટોલનાકા બાબતમાં પોલીસ દ્વારા રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર સિદસર ઉમિયાધામ ના પ્રમુખ જેરામભાઈ ના પુત્ર અમરશીભાઈ દ્વારા ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ શરૂ કરાયું હતું. તેની સાથે દોઢ વર્ષ સુધી નકલી ટોલનાકા થી કરોડો રૂપિયા ઉઘરાવનારા અમરશીભાઈ હજુ પોલીસના હાથે લાગ્યા નથી.

નોંધનીય છે કે, મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ટોલનાકું ચાલી રહ્યું હતું. જ્યારે આ નેશનલ હાઈવેની વાત કરીએ તો દરરોજ ના હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહનચાલકો આ ટોલથી બચવા માટે બાજુનાં ગામમાંથી પસાર થતા હોય છે. એવામાં વાહન ચાલકો ની આ કર ચોરી કરવાની ટેવ ના લીધે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કમાણી કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો.  જ્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.