પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, કાલોલમાં શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાઇરસે હાહાકાર સર્જ્યો છે. એવામાં આજે વાયરસના લઈને પંચમહાલ કાલોલ પંથકથી સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ કાલોલ પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં એક પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે 20 થી વધુ બાળકોના મૃત્યુ નીપજ્યા છે.
જાણકારી મુજબ, કાલોલ તાલુકામાં ગઈ કાલના ત્રણ નવા કેસ સામે આવ્યા છે. આ ત્રણ કેસોમાં કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામની છ વર્ષની બાળકી, કાદવીયા ગામની બે વર્ષની બાળકી અને કાલોલ શહેરના પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસની બીમારીના લક્ષણો જોવા મળતા ત્રણેય બાળકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા છે.
તેની સાથે કાલોલ પંથકમાં શંકાસ્પદ કેસ સામે આવતા કાલોલ સહિત પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ સખ્તાઈ વર્તવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં તપાસ કરીને પ્રભાવિત વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો. આ સિવાય સ્થાનિક પંચાયત અને નાગરિકોને સલામતીને ધોરણે વરસાદના માહોલમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ મુજબ, પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસ નો કુલ આંકડો 11 પર પહોંચી ગયો છે જેમાં ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે.