AhmedabadGujarat

પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

લગ્ન પછી પરિણીતા પાસે દહેજની માંગણી કરવાના કિસ્સાઓ અવારનવાર આવતા રહે છે. ઘણી વખત તો પરિણીતાને દહેજને લઈને એટલો બધો ત્રાસ આપવામાં આવે છે કે તે મજબૂરીમાં આપઘાતનો પ્રયાસ પણ કરે છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદમા સામે આવ્યું છે. જ્યાં સાસુ અને પતિએ દહેજની લઈને પરિણીતા સાથે મારઝૂડ કરી તેમજ તેને સતત માનસિક ત્રાસ આપતા હતાં. ત્યારે આખરે કંટાળીને પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2021માં પરિણીતાના લગ્ન થયા હતા. લગ્ન કર્યાના થોડા દિવસ સુધી તો પરિણીતાને તેના સાસુ અને પતિ ખૂબ સારું રાખતા હતા. પરંતુ પરિણીતાના સસરાનું ત્રણ મહિના પછી અવસાન થયા પછી તેના સાસુ પરિણીતાને દહેજને લઈને સતત હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. એક દિવસ તો પરિણીતાના પતિ અને સાસુ બંનેએ સાથે પરિણીતાને ખૂબ માર માર્યો અને પછી તેના હાથ પગ બાંધીને જબરદસ્તી ગાડીમાં બેસાડીને તેના કાકાના ઘરે આણંદ મુકી આવ્યા હતા. ત્યારપછી સામાજીક આગેવાને આ મામલે વચ્ચે પડીને બન્ને વચ્ચે સમાધાન કરાવતા ચાર મહિના અગાઉ  પરિણીતા ફરી તેની સાસરીમાં રહેવા માટે ગઈ હતી. ત્યારે સાસુએ ફરીથી દહેજની વાતને લઈને પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધો હતો.   હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. એક દિવસ તો આવીને તરત જ પૂછ્યું કે તારા પપ્પા તેમની પ્રોપર્ટી કેમ લખી આપતા કેમ નથી. પરિણીતા એ આ વાતની કોઇ જવાબ ના આપતા તેના પતિએ તેને માર માર્યો હતો. ત્યારે સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, પરિણીતાએ આપઘાત નો પ્રયાસ કરતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો અમરાઈવાડી પોલીસ ને આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.