AhmedabadGujarat

માર્ગ અકસ્માતને રોકવા રાજ્ય સરકારે ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતી ઉમેરવાનો કરાયો નિર્ણય

ગુજરાતમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતને અટકાવવા માટે રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે થઈને બાળકોમાં રોડ સેફ્ટીની જાગૃતિ આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી સત્રથી ધોરણ 6થી 12માં ક્રમશ માર્ગ સલામતી અંગે અભ્યાસ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, બુધવારના રોજ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે તેમ છતાં રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં કિસ્સાઓમાં 44% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.

નોંધનીય છે કે, આગામી શૈક્ષણિક સત્રથી રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે ભણાવવામાં આવશે. રાજ્યના ભરૂચ-સુરત,સરખેજ-ગાંધીનગર તેમજ અમદાવાદ-રાજકોટ હાઈવેને માર્ગ સલામતીની દ્રષ્ટિએ એક મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. અકસ્માત થાય તે દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવરમાં તાત્કાલિક અસરથી તબીબી સારવાર મળી રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, માર્ગ સલામતી અંગે આગામી વર્ષથી જ ધોરણ 6થી12ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. રાજ્યમાં અવારનવાર અકસ્માત થતા રહેતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવા માટે સ્ટેક હોલ્ડર તેમજ રોડ સેફ્ટી ઓથોરિટી વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ, શહેરી વિકાસ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.