અમદાવાદના દાણીલીમડાથી વિસ્તારથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલ ખ્વાઝા ફ્લેટના એક મકાનમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આ આગ દુર્ઘટનામાં 15 દિવસની ઇકરા નામની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં મૃતક બાળકીને બચાવવા જતા માતા પણ દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને ફાયરબ્રિગેડને જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જાણકારી મુજબ, આ આગની ઘટનામાં 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે મણિનગરની એલ. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલામાં એલ. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. લીના ડાભી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલ ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં 15 દિવસનાં બાળકનું મૃત્યું નીપજ્યું છે. જ્યારે આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે. તેમજ ધુમાડાનાં લીધે અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઉભી થઈ હતી. તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.
પોલીસ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, વહેલી સવારના સાડા પાંચ છ વાગ્યાના ઘટના ઘટી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વીજળીનાં મીટમાંથી આગની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ આ મામલામાં એફએલની ટીમ તેમજ એક્સપર્ટની ટીમને ઘટનાસ્થળ પર બોલાવાશે. ત્યાર બાદ આગ લાગવાનું સત્ય સામે આવશે. તેની સાથે સ્થાનિકોને હાલ બિલ્ડીંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તેની સાથે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.