જામનગરના તમાચણ ગામમાં બોરવેલમાં પડેલી ત્રણ વર્ષની બાળકીનું કરુણ મોત, 20 કલાકની જહેમત બાદ જીવ બચી ના શક્યો
જામનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જામનગરના તમાચાણમાં બોરમાં ખાબકેલી માસુમ બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ કલાકોની ભારે જહેમત બાદ અંતે આ બાળકીનો જીવ બચાવી શકવામાં આવ્યો નથી. આજે વહેલી સવારના ત્રણ વર્ષની માસુમ બાળકી રોશનીનો મૃતદેહ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. તેના લીધે બાળકના માતા-પિતા અને પરિવારજનોના શોકનું મોંજુ ફરી વળ્યું છે.
જામનગર તાલુકાથી અંદાજીત 40 થી 45 કિલોમીટર દૂર આવેલા તમાચણ ગામમાં આવેલી ગોવિંદભાઈ પ્રજાપતિની વાડીમાં કામ કરનાર આદીવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકી રોશની રમતા-રમતા બોરવેલમાં પડી ગઈ હતી. ત્યાર બાદ પરિવારજનો અને સીમ વિસ્તારમાં રહેનાર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે આ અંગેની જાણ થતા જ જામનગર અને કાલાવડ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યારે આજુબાજુના ગામના લોકોને પણ સમાચાર મળતા તેઓ પણ ઘટનાસ્થળ પર આવી ગયા હતા. તેની સાથે ડીઝાસ્ટરની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. જ્યારે મામલતદાર, ડીડીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી ગયા હતા.
જ્યારે આ બાળકીનું રેસ્ક્યૂ કરવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. બાળકીનું રેસ્ક્યૂ કરવામાં JCB ની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ કરાયું હતું પરંતુ JCB ની કેપિસિટી સમાપ્ત થઈ ગઈ હતી. આ કારણોસર બાળકીનું રેસ્ક્યૂ કરવા માટે હિટાચી મશીનને મંગાવવામાં આવ્યું હતું. જ્યારે રાજુલાના મહેશભાઈ આહીર રોબોટ લઇને રેસ્ક્યુ માટે આવ્યા હતા. તેમ છતાં ભારે મહેનત બાદ પણ બાળકીનો જીવ બચાવી શકાયો નહોતો. એવામાં 20 કલાકના ઓપરેશન બાદ વહેલી સવારના 5.45 વાગ્યાની આજુબાજુ બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.