અમદાવાદ: નિકોલ વિસ્તારના આ NGO ના યુવાનોએ AMC, પોલીસનો કંઈક અલગ જ રીતે આભાર વ્યક્ત કર્યો, જુઓ
અમદાવાદ: રાજ્ય સહીત દેશભરમાં કોરોના નો કહેર વધી રહ્યો છે અને સમગ્ર દેશ 31 દિવસથી લોકડાઉન છે. રાજ્યમાં સરકારી તંત્ર જેવા કે મ્યુનિસપિલ કોર્પોરેશન, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ જવાનો સતત 31 દિવસથી ખડેપગે રહીને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ કહેવાતા આ કર્મચારીઓ પર વારંવાર હુમલાઓ પણ થયા છે છતાં તેઓ પોતાની ફરજ ભૂલ્યા નથી.
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કેસનું પ્રમાણ વધતા કોરોના વોરિયર્સને દિવસ-રાત કામ કરવું પડે છે. કેટલાય પોલીસ જવાનો અને ડોકટરો પોતાના ઘરે પણ નથી ગયા ત્યારે તેમનું સન્માન કરવા પણ ઘણા લોકો આગળ આવતા હોય છે. આવું જ કંઈક કામ અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. “યુનિટી ઓફ યંગીસ્તાન” ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરિયર્સનું અનોખી રીતે આભાર વ્યક્ત કરીને સન્માન કરાયું હતું.
શહેરના નિકોલ વિસ્તારમાં ચાલતા આ ફાઉન્ડેશનના યુવાઓ એ રસપાન ચાર રસ્તા પર એક અદ્દભુત ચિત્ર બનાવ્યું છે. ચિત્રમાં આપણા ભારત દેશનો નકશો પણ જોઈ શકાય છે. આ ઉપરાંત ભારતમાં લાદવામાં આવેલા લોકડાઉન ને પણ કંડારવામાં આવ્યું છે. રસપાન ચાર રસ્તા પર બનાવેલા આ ચિત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસનો પણ આભાર વ્યક્ત કરાયો છે.
આપને જણાવી દઈએ કે “યુનિટી ઓફ યંગીસ્તાન” ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 31 દિવસથી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન પીરસાઈ રહ્યું છે.આ સંસ્થા ના સ્થાપક મલકભાઈ કેરાલીયા કહે છે કે, તેમની ટિમ દ્વારા છેલ્લા 31 દિવસથી ગરીબોને ભોજન અપાઈ રહ્યું છે. દરરોજ 800 થી 1000 લોકોનું ભોજન તૈયાર કરાય છે અને તે માટે આખી ટિમ ખુબ જ મહેનત કરે છે. તેમના કહેવા મુજબ દેશ જયારે આવી મહામારી સામે લડી રહ્યો હોય ત્યારે દરેક યુવાઓ એ દેશ સેવા માટે આગળ આવવું જોઈએ.
કોરોના વોરિયર્સ અંગે મલકભાઈ કહે છે કે પોલીસ,આરોગ્ય કર્મચારીઓ તેમજ કોર્પોરેશન ની ટિમ દિવસ-રાત લોકોની સેવામાં રહે છે ત્યારે તેમનો આભાર વ્યક્ત કરવો અને સન્માન કરવું એ આપણી ફરજ છે. અમારી ટીમે કોરોના વોરિયર્સનું જે રીતે સન્માન કર્યું તે જોઈને અન્ય લોકો પણ શીખ લે અને કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરે તેવી આશા છે.