વડોદરામાં આજવા નિમેટા ગાર્ડન પાસે કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવતા યુવકનું મોત
રાજ્યમાં સતત આપઘાતની ઘટના વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાની આજવા નિમેટા કેનાલમાં ઝંપલાવી યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવક અને યુવતી દ્વારા આજવા નિમેટા કેનાલમાં ઝંપલાવવામાં આવ્યું હતું. જેમાં યુવતીને બચાવી લેવામાં આવી હતી જ્યારે યુવકનું ડૂબવાના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, સ્થાનિક લોકો દ્વારા સમયસર કેનાલમાં જઈને યુવતીનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીને સાવરવાર માટે મોકલી દેવામાં આવી હતી. જ્યારે યુવકને કેનાલમાંથી બહાર નીકાળવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવતીની વાત કરીએ તો તે આજવા રોડ વિસ્તારમાં યુવતી રહેતી હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ પાછળ આવેલી શુભ-લક્ષ્મી સોસાયટીમાં રહેનાર આશુ રાજેશભાઇ હરીજન અને તેના જ વિસ્તારમાં જ રહેનાર દિપાલી (નામ બદલવામાં આવ્યું છે) દ્વારા કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવી આપઘાત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
તેની સાથે આ ઘટનામાં યુવક-યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. તેમ છતાં પ્રેમ-સંબંધમાં યુવક-યુવતી એ આ પગલુ ભર્યું હોવાની આશંકા રહેલી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે યુવકના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.