AhmedabadGujarat

વડોદરા પત્રિકાકાંડ : પદની લાલચ અને ઇર્ષ્યાના કારણે 25 વર્ષ જૂના મિત્ર વિરુદ્ધ રચ્યું કાવતરૂં

રાજકારણમાં પદ મેળવવાની ઈચ્છા દરેકની હોય છે. અને જો પદ બીજા કોઈને મળે તો ઈર્ષ્યા પણ થતી હોય છે. ત્યારે વડોદરામાં પણ આવું જ બન્યું છે. જ્યાં ભાજપના એક કોર્પોરેટરના મિત્ર મેયર બની ગયા અને તેઓ રહી ગયા તો તેમણે મેયર વિરુદ્ધ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનાને પગલે ભાજપે તરત જ એક્શન લઈને કાવતરું રચનાર કોર્પોરેટરનું સભ્યપદ જ છીનવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેયર નિલેશ રાઠોડ અને કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયા છેલ્લા 25 વર્ષથી એકબીજાના મિત્રો છે. બંને મિત્રો અગાઉ એક જ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે નિલેશ રાઠોડ વડોદરાના મેયર બની જતા અલ્પેશ લિંબાચીયાને ઈર્ષ્યા થવા લાગી હતી. અને માટે થઈને અલ્પેશ લિંબાચીયાએ તેમના જેના મિત્ર તેમજ વડોદરા ના મેયર નિલેશ રાઠોડને બદનામ કરવા પત્રિકા છપાવી હોવાની આશંકા છે. આ મેયરને બદનામ કરવા રચાયેલા આ પત્રિકા કાંડને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. અને  અલ્પેશ  લીંબચીયાની ઓફિસ પર રેડ કરી હતી. ત્યાંથી પોલીસે પ્રિન્ટર અને લેપટોપ કબજે કર્યું હતું. અને મોડી રાત્રે અલ્પેશ લિંબાચીયા ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, રાજકીય વર્તુળોમાં ચાલી રહેલ ચર્ચા અનુસાર મેયર નિલેશ રાઠોડ હવે આગળ માંજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના મજબૂત દાવેદાર તરીકે નજરે પડી રહ્યા છે. અને માંજલપુર બેઠક પરથી અલ્પેશ લિંબાચીયાને પણ વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બનવું છે. જોકે નિલેશ રાઠોડ નડી શકે તેમ લાગતા જ અલ્પેશ અલ્પેશ લિંબાચીયાએ આ પ્રકારનું કાવતરું રચ્યું હોઇ શકે છે. આ સિવાય એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે, અલ્પેશ લિંબાચીયાનો નાણાંનો એક ખૂબ મોટો વહીવટ નિલેશ રાઠોડે બગાડી દેતાં અલ્પેશ લિંબાચીયાએ આ કાવતરું રચ્યું હોય શકે છે.