રાજ્યભરમાં હાલ ગરમીનો પારો સતત ચડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા રહેલી છે. તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે હજુપણ ગરમીનો પારો ઉપર જવાનો છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા એ પણ જણાવવામાં અવાયું છે કે, રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. ગુરુવારના રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો વધી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 મે થી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધી શકે છે. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં પણ સતત માવઠું પડતાં ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો.
અંબાલાલ પટેલ દ્વારા ગરમીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું પણ જણાવ્યું હતું. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં શરૂઆતનું ચોમાસુ સારુ રહેવાની શક્યતા છે.