લોકસભાની ચુંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી દ્વારા અવનવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા દ્વારા પહેલા અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા-રજવાડા અંગે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેને લઈને મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળા દ્વારા પોતાનો આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. પદ્મિનીબા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી ત્યારે સંકલન સમિતિ વિરોધમાં રહેલી હતી પરંતુ આજે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજા-રજવાડાઓ અંગે ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતમાં સંકલન સમિતિ શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો નથી. ક્ષત્રિય સમાજને તેઓએ કોંગ્રેસની આંદોલન સમિતિ ગણાવવામાં આવી હતી અને જો ક્ષત્રિય સમાજ એ બહેનો-દીકરીઓના સ્વાભિમાન માટે લડત ચલાવવી હોય તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને પણ મત આપવો જોઈએ નહીં.
પદ્મિની બા વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બહેનો-દીકરીઓ માટે સ્વાભિમાનની લડત ચાલુ હોય તેવું હાલ મને દેખાઈ રહ્યું નથી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા બફાટ કર્યો હતો તેનો વિરોધ તો ચાલુ જ છે, પરંતુ હવે રાજકારણ આવી ગયેલ છે. હાલમાં જ કોંગ્રેસના રાહુલ ગાંધી રાજા-રજવાડા ઓ વિશે બોલ્યા ત્યારે તેમને પૂછવા ઈચ્છું છું કે, તમારું મોસાળ કઈ જગ્યાએ છે? અને રાજા-રજવાડાઓ અફીણ પીને પડ્યા રહેતા હતા તેવો બફાટ કરતા આમ આદમી પક્ષના ઉમેશ મકવાણાને પણ પૂછવાનું કે આપ ના નેતા જેલમાં છે તો એ કયાં કારણોસર રહેલા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જો બહેન-દીકરીઓ ના સ્વાભિમાન માટેની લડત ચલાવતા હોઈએ તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને પણ મત આપવો જોઈએ નહીં. સમાજને હાથો બનાવવામાં આવી રહ્યો છે અને તેથી સમાજ હાંસીપાત્ર બની ગયેલ છે. પુરુષોત્તમ રૂપાલા નો જેમ વિરોધ કરવામાં આવ્યો છે તે રીતે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનો પણ વિરોધ કરવામાં આવો જોઈએ. સંકલન સમિતિ દ્વારા ઝંડા લઇને બેસી ગયા છે. ત્યારે રાહુલ ગાંધી પાસે માફી મંગાવવી જોઈએ. પદ્મિની બા દ્વારા ભાજપનો ખેસ પહેર્યો હોવાના આક્ષેપ મામલે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું ભાજપમાં હતી તેમ છતાં પણ પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કર્યો હતો, ત્યારબાદ મેં રાજીનામું આપ્યું હતું.