GujaratAhmedabad

આવી જગ્યાએ અને આ ફ્લેવરની ચા તમે ક્યારેય નહીં પીધી હોય

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી ચાના રસિકો માટે નવા નવા પ્રકારના ટી સ્ટોલ ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને ભણેલા ગણેલા યુવાનો પણ હવે ટી સ્ટોલ ચલાવે છે. ત્યારે અમદાવાદ શહેરના હાંસોલ વિસ્તારમાં એક ભયાનક ટી સ્ટોલ પણ હાલ ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ શહેરના હાંસોલ વિસ્તારમાં એક યુવકે સ્મશાનગૃહમાં જ શરૂ કરેલ ટી સ્ટોલ ચર્ચામાં આવ્યો છે. આ ટી સ્ટોલ પર ચાના નામ સાંભળીને પણ તમે નાવાઈ પામશો. અહીં તાંત્રિક ચા, ચુડેલ ચા, મડદા ચા, ભૂત ચા વગેરે જેવા ચા ના નામોથી આ યુવાન ચા વેચી રહ્યો છે.

ઉલ્લેખનીય છે , 42 વર્ષીય અનિલ બજરંગી ઉર્ફે ડોન બજરંગી છારા નામનો યુવક અમદાવાદના હાંસોલ વિસ્તાર ખાતે આવેલા ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં ભયાનક ટી સ્ટોલ ચલાવી રહ્યો છે. તમે ક્યારેય નામ નહીં સાંભળ્યું હોય તેવા ફ્લેવરની ચા અનિલભાઈ પોતાના ટી સ્ટોલ પર ચા વેચી રહ્યા છે. અનિલ છારાએ પોતાના આ સ્મશાનગૃહમાં શરૂ કરેલ ટી સ્ટોલનું નામ ભયાનક ટી સ્ટોલ રાખ્યું છે. અનિલ છારા અહીં તાંત્રિક ચા, ચુડેલ ચા, ભૂત ચા, ડાકણ ચા, વિરાના ચા, મડદા ચા, સ્પેશ્ય અસ્થિ ચા,સ્પેશ્યલ કબ્રસ્તાન ચા જેવી વિવિધ ફ્લેવરની ચા વેચે છે. આ સિવાય આ સ્ટોલ પર ચા ની સાથે સાથે ભૂત કોફી અને કંકાલ બિસ્કુટ પણ મળે છે. વળી અનિલભાઈએ ચાના બોર્ડ પર લખેલું વાક્ય પણ અજીબ છે. તેણે લખ્યું છે કે, સ્પેશિયલ ચા માટે દો ગજ જમીન કે નીચે જાના પડેગા.

નોંધનીય છે કે, કોરોનાકાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. એ સમય દરમિયાન સ્મશાનગૃહમાં પણ લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા હતા.અને ત્યારે અનિલ છારાને આ ટી સ્ટોલમાંથી સારી એવી આવક પણ થઈ હતી. આમ તો યુવકનું નામ અસલી નામ અનિલ છારા છે પરંતુ તે ઉર્ફે ડોન બજરંગી તરીકે જ આ વિસ્તારમાં પ્રખ્યાત છે. એની પાછળનું કારણ જણાવતા અનિલભાઈએ કહ્યું હતું કે, તેમના પિતા બાબુભાઈ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચના ખૂબ જ મોટા ચાહક છે. તેમણે અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મ જોઈ છે. અને મારા પપ્પાને અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મ ખૂબ ગમે છે. એટલે મારા પિતાએ જ મારું નામ ડોન રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે, અનિલભાઈ એટલે કે ડોન જ્યારે શાળાએ ભણવા માટે ગયો ત્યારે તે શાળાના આચાર્યએ ડોન નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. જે પછી અનિલના પિતાએ તમામ સરકારી રેકોર્ડ માટે નામ બદલીને ડોન ને બદલે અનિલ રાખ્યું હતું. જો કે, અનિલ છારા જન્મથી દિવ્યાંગ છે અને ધોરણ 10 પણ અનિલભાઈ પરાણે પાસ કરી શક્યા છે. અનિલ પહેલેથી જ કંઈક અલગ અને નવું કરવા માગતા હતા. જેથી તેમણે સ્મશાનગૃહમાં જ ટી સ્ટોલ શરુ કરવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2018માં અનિલ છારાએ સ્મશાનગૃહમાં આ ટી સ્ટોલ શરુ કર્યો હતો. અનિલ બજરંગી કહે છે કે, તેઓ પોતાના આ વ્યવસાયને ખૂબ આગળ વધારી દેશ-વિદેશમાં તેમની ભયાનક ટી સ્ટોલની ફ્રેન્ચાઈઝી આપવા માગે છે.