ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERC) સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBS ની ફીમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એવામાં આ વિવાદના લીધે રાજ્ય સરકાર દ્વારા ફી વધારાને લઈને ફેરવિચારણા કરવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા હવે નવો પરિપત્ર બહાર પાડી નવી ફી ની જાહેરાત કરવામાં આવશે. આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બાબતમાં જાહેરાત કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ફી વધારા અંગે રાજ્ય સરકાર વચ્ચે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેના પરિવાર આસ્વસ્થ બન્યા રહે. કેમ કે સરકાર દ્વારા અનેક યોજના થકી ફીમાં ફાયદો કરી આપવામાં આવે છે. આ સાડા પાંચ લાખ ફી કેમ કરી છે એના જસ્ટીફિકેશન સાથે જે સૂચન આવે તેની સાથે નવો પરિપત્ર જાહેર કરાશે. વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફી વધારા સંદર્ભમાં વિદ્યાર્થી, વાલી મંડળ, આઈ.એમ.એ, એન.એમ.ઓ તરફથી જે રજૂઆત પ્રાપ્ત થઈ છે તેના પર ચર્ચા કરીને નવી ફીની જાહેરાત કરવામાં આવશે. જ્યારે નવા પરિપત્ર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લેવાનો હશે તે લેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા 28 જૂનના મેડિકલ કોલેજ ની ફીમાં તોતિંગ વધારો કરાયો હતો. આ ફી વધારામાં GMERS મેડિકલ કોલેજ ના સરકારી કોટાની વાર્ષિક ફીસ 3.30 લાખથી વધારી 5.50 લાખ કરવામાં આવી હતી. જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરવામાં આવી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ. એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરાયો હતો.