રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત Ahmedabad થી સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી એક ગ્રાહક દ્વારા ઓનલાઇન મીઠાઈ અને નમકીન મંગાવવામાં આવ્યું હતું. જેમાં ફૂગ વળેલા અખાદ્ય લાડુ નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે ગ્રાહકે આ બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ ને ફરિયાદ કરી હતી. ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા વેચાણ માટે રાખવામાં આવેલા લાડુમાં ફૂગ જોવા મળી હતી. તેની સાથે એક્સપાયરી ડેટ અંગેની કોઈ જાણકારી પણ ત્યાં લખવામાં આવી નહોતી તેના લીધે ફૂડ વિભાગ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સ્સ ને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેનારા દોશી પરિવાર દ્વારા 5 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાના લીધે ભગવાનને ધરવા માટે ઓનલાઇન ઝોમેટો એપ્લિકેશન્સ મારફતે મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી મીઠાઈમાં મીઠી બુંદી, કાનપુરી લાડુ અને નમકીન મંગાવવામાં આવ્યું હતું. જ્યારે દુકાનમાંથી આવેલી મીઠાઈમાં લાડવામાં જોયા તો તેમાં ફૂગ વળેલી જોવા મળી આવી હતી. લાડવા ઉપર ફૂગ વળેલી હોવાના લીધે બગડી ગયા હોય તેવા વાસી લાડવા મોકલી દેવામાં આવ્યા હતા. તે કારણોસર દોશી પરિવાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ ને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ ફુગ વળેલા લાડવાના ફોટા અને વીડિયો લઈને ફુડ વિભાગના વડા ડો. ભાવિન જોશી ને મોકલી દેવામાં આવ્યા હતા. તેના લીધે ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. દુકાનમાં જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાં વેચાણ માટે રાખવામાં આવેલા લાડવામાં ફૂગ વળેલી જોવા મળી હતી. મીઠાઈમાં કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ અથવા ક્યાં સુધી ઉપયોગ કરવો તે અંગે કોઈ જાણકારી લખવામાં આવી નહોતી. તેના લીધે ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયર સ્વીટ્સ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.