ડીસા હાઈવે પર જીપ ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લીધી, બેનાં મોત
ડીસા શહેરના પાટણ હાઇવેથી પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જાણકારી આ હાઈવે પર ભોપાનગર નજીક મોડી રાત્રીના અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ ઝડપે આવી રહેલા જીપ ડાલા દ્વારા ટક્કર મારવામાં આવતા બે લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક ગાયને પણ અડફેટ લેતા ગાયનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જીપ ચાલક દ્વારા અકસ્માત બાદ ફૂલ ઝડપે નાસી જતા જુનાડીસા થી ઢુંવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપ ડાલુ અથડાવી મૂકીને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા ના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રીના હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં ફૂલ ઝડપે જઈ રહેલા જીપ ડાલા ચાલક દ્વારા રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને અડફેટે લેવામાં આવી હતી. તેના લીધે પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ અને પાણીપુરી ખાવા માટે ઉભેલા કિશન ભરતભાઈ રાવળ ફંગોળાઈને રસ્તા પટકાયા હતા. તેના લીધે બંનેનું મૃત્યુ નીપજ્યું હતું.
તેના સિવાય જીપ ડાલા ચાલક દ્વારા એક ગાયને પણ ટક્કર મારી મોતને ઘાટ ઉતારી પાટણ હાઈવે પર જુનાડીસા તરફ ફરાર થઈ ગયો હતો. જ્યારે લોકો દ્વારા પીછો કરવામાં આવતા જીપ ડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપ ડાલું એક વીજ થાંભલા સાથે અથડાવીને ડાલુ મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતક બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક જઈને મૃત ગાયને ખસેડવામાં આવી હતી.