રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. કેમ કે, એક તરફ શિક્ષકો ગેરહાજર રહીને મસમોટો પગાર પ્રાપ્ત કરી રહ્યાં છે બીજી તરફ તેના લીધે વિદ્યાર્થીઓ નું ભણતર ખરાબ થઈ રહ્યું છે. જ્યારે આવી જ એક બાબત ખેડાથી સામે આવી છે. બનાસકાંઠાના દાંતાની પાન્છા શાળામાં શિક્ષિકા આઠ મહિનાથી વિદેશ હોવાનું જાણકારી મળ્યા બાદ હવે ખેડા જિલ્લામાં પણ શિક્ષિકા એક વર્ષથી અમેરિકા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખેડાના નડિયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળાને લઈને મામલો સામે આવ્યો છે. આ શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશ ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 1 સપ્ટેમ્બર 2023 થી સોનલબેન સ્કૂલમાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. અમેરિકા જતા પહેલા શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગ પાસેથી NOC પણ લેવામાં આવ્યું નહોતું.
તેની સાથે જાણકારી મળી છે કે, સોનલબેન વિદેશ ચાલ્યા ગયા હોવાના લીધે પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પણ પડી રહી છે. નડિયાદ ની હાથજ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરવામાં આવતા તેમની ગેરહાજરી પુરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી સોનલબેન પરમાર દ્વારા આ બાબતમાં કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.