રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે અમદાવાદના બોડકદેવથી એવા જ સમાચાર સામે આવ્યા છે. બોડકદેવમાં ઘરવખરીના સામાનના ઝઘડામાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એસપી રિંગ રોડ પર ડ્રિમ વિવાન નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર કામ કરનાર આરોપી નિર્મલ અને મૃતક અનુપમ વચ્ચે ઘરવખરીના સામાન બાબતમાં ઝઘડો થયો હતો. તેમ છતાં સાઈટ પર કામ પતાવ્યા બાદ બંને મિત્ર એક રૂમ માં સાથે જમવા માટે બેઠા હતા. જમતી વખતે વાસણ આપવા જેવી સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ બંને છુટા પણ પડી ગયા હતા. પરંતુ આરોપી નિર્મલ દ્વારા ઝગડાની અદાવત રાખી મિત્ર નિર્મલ ના માથાના ભાગમાં લોખંડ સળિયો મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
જ્યારે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી ઝારખંડ તરફ નાસી જવાના ઈરાદે રહેલો હતો. પરંતુ પોલીસ દ્વારા તપાસ કરીને હત્યારા નિર્મલને ઝડપી પાડ્યો હતો. હાલમાં બોડકદેવ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે. આરોપી નિર્મલની વાત કરવામાં આવે તો તે છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં રહી રહ્યો હતો અને કન્સ્ટ્રકશનની સાઇટ પર મજુરી કામ કરી રહ્યો હતો.
જાણકારી મુજબ આરોપી હત્યા કર્યા બાદ ઝુંડાલમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ સંતાયો હતો. ત્યાં તેને કામ મળવાની આશા રહેલી હતી અને કામ મળ્યા બાદ થોડા પૈસા મળ્યા બાદ તે ભાગી જવાના ઈરાદે અહીં આવ્યો હતો. તેમ છતાં આરોપીને પકડવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી 20 સાઇટ પર જઈને 300 થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી અને સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી ઝડપાઈ ગયો હતો. બોડકદેવ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.