GujaratAhmedabad

લોકોના જીવન સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલને કરાઈ સીલ

અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ હોવાનો મામલો સામે આવ્યો છે. અનન્યા હોસ્પિટલમાં બોગસ ડોક્ટર બનેલા મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલ સીલ કરાઈ છે. મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદ જિલ્લામાંથી આ જ વ્યક્તિ દ્વારા મેહુલ ચાવડાની નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ઝડપાઈ હતી. બાવળાના કેરાલા ગામમાં બે દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો. હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમી રહ્યા હતા. બે મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતા સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું નહોતું.

અમદાવાદના બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHO દ્વારા રેડ પાડવામાં આવી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી. તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડ સામે આવ્યો હતો. એવામાં તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવામાં આવ્યા છે.