SaurashtraGujaratSurendranagar

પુરુષોત્તમ રૂપાલા વિવાદ મામલે લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજ સિંહજીનું મોટું નિવેદન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પરશોત્તમ રૂપાલા વિવાદમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ, કચ્છના રાજવી, જામનગરના રાજવી તેમજ રાજપીપળા રાજ પરિવારમાંથી ક્ષત્રિય સમાજના સમર્થનમાં  નિવેદન જાહેર કરવામાં આવ્યા છે. હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજ સિંહજી દ્વારા નિવેદન જાહેર કરીને પરશોત્તમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવા ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજ સિંહજી દ્વારા મિત્રો, મુરબ્બીઓ, આદરણીય વડીલ શ્રી ને સંબોધીને જણાવ્યું છે કે, ચૂંટણી નો સમય કેવી કેવી દિશામાં ફંટાઈ રહ્યો છે અને રાજકારણની વ્યકિતઓની જીભ કેવી અનિષ્ટ પરિસ્થિતિ સર્જે છે તે આપણે બધા જાણીએ છીએ. માનનીય રૂપાલાજી એ ઉત્સાહમાં બફાટ કરી રાજપૂત કોમના ગૌરવવંતા ઈતિહાસને ભૂલી જઈને રાજપૂત કોમની લાગણી ને દુભાવે તેવી ભાષા બોલવામાં આવે છે. તેનો ચારે દિશામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું કે, રાજપૂત કોમ નેક દિલ રહેલ છે, ટેકવાળી, સ્વભાવે સ્વમાની અને પરગજુ રહેલ છે. રાષ્ટ્રના દરેક કપરા સમયે રાજપૂત કોમનું વિરત્વ જ રાષ્ટ્રને કામ આવેલ છે. વિશ્વના ઈતિહાસમાં રાજપૂત કોમ નો જોટો જોવા મળે તેમ રહેલ નથી. તેવી તે સંસ્કારી, ગુણિયલ અને સમર્પિત-લડાયક કોમ રહેલ છે. રાષ્ટ્રનું ને માનવજાતનું રાજપૂત કોમ ગૌરવ રહેલ છે. અમે ઇચ્છીએ છીએ કે, સમગ્ર વિશ્વમાં પથરાયેલી રાજપૂત કોમની દુઃખાયેલી લાગણીને લક્ષમાં લઈ રૂપાલાજી ને સાંસદ તરીકે ની ટિકિટ આપી છે તે પરત ખેંચી લેવામાં આવી જોઈએ. તેમ થશે નહીં તો રાજપૂત કોમ સ્વમાનના ભોગે કંઈપણ ચલાવી લેશે નહીં અને લોકશાહી ઢબે તેનો સંપૂર્ણ સામનો કરશે.”