બાંગ્લાદેશના રમખાણોમાં ગોધરાના વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારથી માંગી મદદ

બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસોથી અનામતને ભારે હોબાળો ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ લઈને હિંસક અંદોલન ચાલી રહ્યું છે. આ રમખાણમાં રાજ્યના ગોધરાના 20 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, મેડિકલ અભ્યાસ કરવા માટે બાંગ્લાદેશ ગયેલા ગોધરાના 22 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો અને કર્ફ્યૂને લઇને વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિને લઇ ગોધરાના વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમ છતાં બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય એમ્બેસી વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં સ્થિતિ વધુ ગંભીર બને તો તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ બાબતમાં વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આપણા દેશ તેમજ ગુજરાતના ઘણાં છોકરા-છોકરીઓ દ્વારા ત્યાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને અમારા દીકરા-દીકરી સાથે બે દિવસથી કોઈ પણ રીતની વાતચીત પણ થઈ રહી નથી. તેમજ ત્યાં કેવી પરિસ્થિતિમાં છે તે પણ એક મોટો સવાલ રહેલ છે ત્યારે ભારત સરકારને અમારી વિનંતી છે કે, આમારા દીકરા-દીકરી સાથે સરકાર સંપર્ક કરાવે અને તે કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તેઓને પરત દેશમાં લાવવા માટે સરકાર દ્વારા અમારી મદદ કરવામાં આવે.