ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકને હવેથી હેલમેટ પહેરવું ફરજીયાત કરવામાં આવેલ છે. તેની સાથે અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે હવે બાઈક પાછળ બેસનારને પણ હેલમેટ પહેરવું પડશે. આ સિવાય હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. જ્યારે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવશે. આ સિવાય ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી.
તેની સાથે હાઈકોર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સીસીટીવીથી માત્ર ચલણ કાપવાથી કાયદાનું યોગ્ય પાલવ થાય તેમ નથી. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ રહેલ છે. અધિકારીઓ મનસ્વી રીતે વર્તશે તે પણ ચલાવી લેવામાં આવશે નહીં. આ સિવાય 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવાનું કહેવામાં આવ્યું છે અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.