
કાયદાથી મોટું કોઈ હોતું નથી. અને એ વાતને હાઇકોર્ટે સાબિત કરી છે. વર્ષ 2016માં આરોપીને માર મારી આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની બાબતને લઈને હાઇકોર્ટ દ્વારા 5 પોલીસકર્મીઓ સામે એક્શન લેવામાં આવ્યું છે. 13 જુલાઈના રોજ હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આરોપી અજય કુંભારવાડીયાને રાજકોટના 5 પોલીસ કર્મચારીઓ બી.ટી. ગોહિલ, વી.એસ. લાંબા, એમ.જે. ધાંધલ,પ્રદ્યુમનસિંહ ઝાલા તેમજ જયભા પરમારએ જાહેરમાં પરેડ કરાવી હતી તેમજ માર માર્યો હોવાનો આરોપ છે. આરોપીએ ઘટનાને લઈને હાઇકોર્ટમાં આ પાંચેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. ત્યારે આ કેસને લઈને હાઇકોર્ટમાં સમયાંતરે મુદતો પડતી રહી હતી. તેમજ પોલીસ કર્મીઓએ પણ આ અરજી ચલાવવાના કન્ટેમ્પ્ટની અરજી ચલાવવાના હાઈકોર્ટના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ કરી હતી. બીજી તરફ આ પહેલા પણ આ કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી તેવો પોલીસકર્મીઓ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો. ત્યારે હાઈકોર્ટે આ દાવાને નકાર્યો હતો.
હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, કાયદાની વિરુદ્ધ જઈ આરોપી સામે કાર્યવાહી કરી શકાય નહીં. પોલીસકર્મીઓની આ સ્ટેજ પર બિનશરતી માફી સ્વીકારી શકાય નહીં. જે પછી હાઈકોર્ટ દ્વારા બી.ટી. ગોહિલ, વી.એસ. લાંબા, એમ.જે ધાંધલ, પ્રદ્યુમનસિંહ ઝાલા અને જયભા પરમાર વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે.