IndiaNewsSport

જાડેજાએ ચોગ્ગો ફટકારીને CSKને જીત અપાવી, પત્ની રીવાબાને ગળે લગાવી, જુઓ વાયરલ VIDEO

Ravindra Jadeja Video: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને CSKએ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. IPLમાં CSKનું આ 5મું ટાઈટલ છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકારીને CSK ટીમને જીત અપાવી હતી. હવે જાડેજા (Ravindra Jadeja) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જીત બાદ પત્ની રીવાબા સોલંકીને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.

CSKની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલ મોહિત શર્માને સોંપ્યો હતો. તેણે પ્રથમ ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. ત્યારબાદ છેલ્લા 2 બોલમાં CSKને 10 રનની જરૂર હતી અને CSK માટે રવિન્દ્ર જાડેજાએ સ્ટ્રાઈક લીધી. જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, તેણે છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારીને વિજય મેળવ્યો. આ પછી જાડેજાની પત્ની રીવાબા સોલંકી દોડીને મેદાન પર આવી હતી અને જાડેજાએ તેને ગળે લગાવી હતી.

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. ગુજરાત માટે રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત કરી હતી. સાહાએ 54 રન, ગિલે 39 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી સાઈ સુદર્શને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. પરંતુ CSK તરફથી પણ બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી.

ડેવોન કોનવેએ 47 રન, ઋતુરાજ ગાયકવાડે 26 રન, શિવમ દુબેએ 32 રન, અજિંક્ય રહાણેએ 27 રન, અંબાતી રાયડુએ 19 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 15 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનોના કારણે જ CSKની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: એમએસ ધોનીએ જીત બાદ સંન્યાસ લેવા અંગે સ્પષ્ટ વાત કહી