AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી નવી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં બન્યો રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન બાદ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. જ્યારે વરસાદના વિરામ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ બન્યો રહેશે. રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સોમવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમ છતાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની કોઇ ચેતવણી આપવામાં આવેલ નથી. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ છે. જ્યારે દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. આ આગાહીના લીધે ગુજરાતીઓને થોડી રાહત મળી શકશે.