South GujaratGujaratSurat

નીલેશ કુંભાણીની મુશ્કેલીમાં થશે વધારો, કોંગ્રેસ ભરવા જઈ રહ્યું છે આ મોટું પગલું….

સુરતમાં ભાજપની બિનહરીફ જીતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને સવાલો ઉભા થયા છે. જ્યારે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો હજી સુધી ગુમ રહેલ છે. ત્યારે હવે કોંગ્રેસ નિલેશ કુંભાણીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં લડ્યા વગર જ એક બેઠક ગુમાવનાર કોંગ્રેસ હવે સુરતના ઝટકા બાદ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસમાથી સસ્પેન્ડ કરાયેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ડો. અભિષેક મનુ સિંઘવી દ્વારા મોરચાનું નેતૃત્વ કરવામાં આવશે. સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. કુંભાણી સામે FIR દાખલ કરવા CP પાસે માંગ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસની બેઠકમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કાયદાકીય લડાઈ લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેને લઈને હવે કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામ આવ્યા છે. સૌથી પહેલા નિલેશ કુંભાણી સામે ફોજદારી ગુનો દાખલ થાય તેના માટે પોલીસ કમિશનરને મળીને એફઆઇઆર દાખલ કરવા માટે માગ કરવામાં આવશે.

નિલેશ કુંભાણી દ્વારા જે કરવામાં આવ્યું છે તેને લઈને તેને પાઠ ભણાવવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, નીલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગુમ થતા ફોર્મ રદ થઈ ગયું હતું. ત્યાર બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર જાહેર કરવામાં આવ્યા હતા.

નોધનીય છે કે, નિલેશ કુંભાણીના કારણે આજે લોકતંત્રમાં સુરત લોકસભા બેઠકના મતદારો મતદાન પ્રક્રિયાથી વંચિત રહેશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા હવે નિલેશ કુંભાણીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીઓમાં છે. સૌથી પહેલા કાયદાકીય લડતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને નિલેશ કુંભાણીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે તેવી માગ કરાશે.

તમને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિસ્ત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી દ્વારા કોઈ ખુલાસા કરવામાં આવ્યા નહોતા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબની ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણી દ્વારા સંપૂર્ણ નિષ્કાળજી દાખવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું જોવા મળ્યું છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગુમ થઈ ગયા છે.